Pages

Search This Website

Sunday 29 October 2023

ગિરનારની લીલી પરિક્રમા 2023 માટે તિથી મુજબ તારીખ નક્કી, 23થી 27 નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા યોજાશે જાણો રૂટ , રસ્તો અને ઇતિહાસ

ગિરનારની લીલી પરિક્રમા 2023 માટે તિથી મુજબ તારીખ નક્કી, 23થી 27 નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા યોજાશે જાણો રૂટ , રસ્તો અને ઇતિહાસ



Junagadh Girnar Lili Parikrama: દર વર્ષે ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ ઘણું બધું છે. ભાવિકો હજારોની સંખ્યામાં ઠંડીની પણ પરવા કર્યા વિના લીલી પરિક્રમામાં આવે છે. લીલી પરિક્રમાનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે, એટલું જ સામાજિક મહત્ત્વ પણ છે! ગિરનારની લીલી પરિક્રમામાં જુદા જુદા ગામના લોકો જુદી જુદી કોમના અને પ્રાંતના લોકો ભેગા થયા હોય, જેના પરથી અનેક રીત-રિવાજ, ભાષા, પોશાક વગેરે જાણી શકાય છે. સૌ મળીને સાથે રહેતા શીખે છે, જે પ્રવાસનો આનંદ હોય છે. ત્યારે આ વર્ષ માટે ગિરનારની લીલી પરિક્રમા માટે ઉતારા અન્નક્ષેત્ર મંડળની બેઠકમાં તિથી મુજબ તારીખ નક્કી કરવામાં આવી છે.



આ વર્ષની લીલી પરિક્રમા વિશે વાત કરીએ તો 23થી 27 નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા યોજાશે. શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા જોવાઇ રહી છે. દામોદર કુંડમાં સ્નાન સાથે ભાવિકો લીલી પરિક્રમાની શરૂઆત કરે છે. કહેવાય છે કે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી ચાલે છે, જેમાં એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે.




અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. બારસના દિવસે ભવનાથ તળેટીના દુધેશ્વરની જગ્યા રૂપાયતન ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. ભાવિકો ઉત્તર દિશામાં પહાડો વટાવતાં અંદાજે સાડા ત્રણ માઈલ દૂર હસનાપુર કે જીણાબાવાની મઢીએ રાત્રી રોકાણ કરે છે.











જે પછી કારતક સુદ તેરસના દિવસે આગળ વધીને માળવેલા કે જ્યાં સૂરજકુંડની જગ્યા છે, તેવા ગિરનારના ઉત્તર કિનારે પડાવ નાખીને ભાવિકો રાત્રી વિશ્રામ કરે છે. ચૌદશના દિવસે માળવેલાથી ઉપડી ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ બાજુ બોરદેવીમાં પડાવ નાખવાનો હોય છે. અહીં બોરડી નીચે માતાજી બિરાજમાન છે, જ્યાં બારેમાસ પાણી રહે છે. આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાને કારણે, ભાવિકો અહીં પ્રકૃતિનો મન ભરીને આનંદ માણે છે. પૂનમના દિવસે સવારે બોરદેવીથી નીકળીને ભાવિકો ભવનાથ તળેટીમાં પરત ફરે છે.


આમ ગિરનાર પર્વત ફરતે કુલ 36 કિલોમીટરનું અંતર કાપીને ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરે છે. પરિક્રમાના રસ્તે અનેક ઉતારા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભાવિકો ઘરેથી જ કાચી સામગ્રી લઈને આવે છે અને જંગલમાં ભોજન બનાવી, વન ભોજનનો આનંદ માણે છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser