Gujarat Government Alert Latest News: ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ સરકાર સતર્ક, રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા અને તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું ઓડિટ કરવા આદેશ
ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રાજ્યની તમામ હોસ્પિટલમાં બેડ, દવાઓ અને સાધન તૈયાર રાખવા કેન્દ્રની સૂચના
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ સરકારે આપ્યા આદેશ
જરૂરી બેડ, દવાઓ અને ઓક્સિજન સહિતની સામગ્રી તૈયાર રાખવા સૂચના
Gujarat Government Alert : ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક બની છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીયઆરોગ્ય મંત્રાલયની સુચના બાદ રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે. મહત્વનું છે કે, હાલ દેશમાં આ રોગથી કોઈ ખતરો નથી છતા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. રાજ્ય સરકારે હોસ્પિટલમાં જરુરી બેડ, દવાઓ, સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા સુચના આપી છે. આ સાથે રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા જણાવાયું છે.
રાજ્ય સરકાર સતર્ક બની
ચીનના બાળકોમાં જોવા મળેલ શ્વાસની બિમારીને લઈ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા કહ્યું હતું. આ દરમિયાન હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જેમાં જરૂરી બેડ, દવાઓ અને ઓક્સિજન સહિતની સામગ્રી તૈયાર રાખવા સૂચના અપાઈ છે. આ સાથે રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા જણાવાયું તો તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું ઓડિટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે વેન્ટિલેટર, PPE કીટનો સ્ટોક ઉપલબ્ધ રાખવા સૂચના પણ અપાઈ છે.
ગઈકાલે આરોગ્યમંત્રીએ પણ આપ્યું હતું નિવેદન
ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં આ બીમારીથી હજુ સુધી કોઈ મૃત્યું નોંધાયું નથી. ગુજરાત કે ભારતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કોવિડ સમયે સૌ કોઈ ડરી ગયા છતાં આપત્તતિમાંથી નીકળી ગયા છે. ફરીથી કોઈ આવી આપત્તિ આવે તેમ લાગતું નથી. આપત્તિ આવશે તો પણ એનો સામનો કરવા આપણે સૌ સજ્જ છીએ. ચીનમાં વધુ એક રહસ્યમય બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને બાળકો આ રોગની ચપેટમાં આવી રહ્યા છે. તેવામાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. બીજી તરફ ભારત સરકાર પણ આ મામલે અત્યારથી જ સતર્કતા દાખવી રહી છે અને આગમચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી છે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું ?
એક અહેવાલ મુજબકેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને હોસ્પિટલની તૈયારીઓ મામલે જરૂરી દિશા નિર્દેશ કર્યા છે. વધુમાં ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારી મામલે સરકાર સતત નજર રાખી રહી હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે. એક બાજુ શિયાળો અને કેટલાક રાજ્યોમાં વરસાદી વાતાવરણ હોવાથી પત્રમાં મંત્રાલયે તમામ રાજ્યના સબંધિત વિભાગને હોસ્પિટલોમાં હાલની આરોગ્ય સેવા પર સતત નિરીક્ષણ કરવા ખાસ જણાવાયું છે. વધુમાં મિશ્રઋતુને ધ્યાને લઇ વિશેષ ધ્યાન આપવા જણાવાયું છે. બીજી તરફ મંત્રાલય દ્વારા હોસ્પિટલમાં કેવી તૈયારી છે તે પણ જણાવવા કહ્યું છે. હોસ્પિટલમાં બેડ, માટે દવાઓ અને રસીઓ, મેડિકલ ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, PPE વગેરેની સુવિધા મામલે પણ જણાવાયુ છે.